ગુણવંત શાહ: ચિત્રલેખા (આશરે ૨૦૦૮)
શબ્દો ની યુનિવર્સિટી
ઈસવી સન ૧૯૨૮માં ગુજરાતમાં બે મહાન ઘટના બની. એક બારડોલીમાં અને બીજી ગોંડલમાં.
સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં સફળ થયેલો બારડોલી સત્યાગ્રહ જાણીતો છે, પરંતુ ગોંડલમાં બનેલી સાંસ્કૃતિક ઘટના એટલી જાણીતી નથી. બત્રીસલક્ષણા રાજવી મહારાજા ભગવતસિંહજીની સક્રિય પ્રેરણાથી સંનિષ્ઠ ઉચ્ચાધિકારી ચંદુલાલ બહેચરલાલ પટેલના વડપણ હેઠળ ગોંડલમાં ૧૯૨૮ના ઓક્ટોબરની પહેલી તારીખે ભગવદ્ગોમંડલ જેવા શબ્દકોશ- જ્ઞાનકોશની રચના માટેની કચેરીનો પ્રારંભ થયેલો. એમ કહી શકાય કે એ દિવસે શબ્દોની યુનિવર્સિટીની પ્રાણપ્રતિષ્ઠા ગોંડલમાં થઈ. ગુજરાતની જે લાઈબ્રેરીમાં આ શબ્દસાગરના નવ ગ્રંથ ન હોય એને ગંગાસ્વરૂપ લાઈબ્રેરી કહી શકાય.
ડિક્શનરી અને એનસાઈક્લોપીડિયાના સંયોજન સમા આ ગ્રંથોમાં શબ્દ, અર્થ અને માહિતીનો જે ભંડાર ભરેલો છે એ અમૂલ્ય છે. વિનોબાજીને નવરાશના સમયમાં ડિકશનરીના શબ્દોમાં ખોવાઈ જવાનો શોખ હતો. જે લેખક ન હોય એવા સૌને પણ આ ગ્રંથોમાં પાને પાને પ્રગટ થતા શબ્દોના ઉપવનમાં વિહાર કરવામાં અનેરો આનંદ પ્રાપ્ત થશે. સંસ્કારી પરિવારમાં શબ્દકોશ ન હોય એવું ભાગ્યે જ બને. શિક્ષકોએ અને માતા-પિતાએ બાળકોમાં ડિક્શનરી પ્રત્યે આકર્ષણ જાગે એવા પ્રયત્નો કરવા જોઈએ. શબ્દને બ્રહ્મનો દરજ્જો આપનારી સંસ્કૃતિનાં સંતાનો શબ્દકોશના પ્રેમમાં પડે એવું થવું જોઈએ. શબ્દકોશ એટલે શબ્દબ્રહ્મનો પવિત્ર તુલસીકયારો!
ગુજરાતના અતિવ્યવહારુ લોકો વાતવાતમાં એક ગંદું વાકય દયાભાવથી ઉચ્ચારતા રહે છે: આપણે ગુજરાતી ભાષાને બચાવી લેવા માટે પ્રયત્નો કરવા જોઈએ. અરે! ગુજરાતી ભાષાને બચાવવાની નથી, આપણે બચવાનું છે. આપણી અસ્મિતાને બચાવવાનો પ્રશ્ન છે. અસ્મિતા એટલે પોતાપણાની સભાનતા. સંસ્કૃતમાં અસ્મિ એટલે હું છું. માતૃભાષા વિના અસ્મિતા ન જળવાય. એને અંગ્રેજીમાં આઈડેન્ટિટી કહે છે. જ્યારે માણસનું પોતાપણું ખતમ થાય ત્યારે એ જીવતેજીવત મરેલો ગણાય. ગઈ સદીમાં થયેલા મહાન મનોવિજ્ઞાની ફ્રોઈડની દીકરી અન્ના ફ્રોઈડના શિષ્ય એરિક એરિક્સને જગતને આઇડેન્ટિટી ક્રાઈસિસ જેવો મૌલિક શબ્દપ્રયોગ આપ્યો હતો. એરિક એરિક્સને મહાત્મા ગાંધીનું મનોવિશ્લેષણ કર્યું અને એ Gandhi’s truth નામના પુસ્તકમાં પ્રગટ થયેલું. ભાષા મરે ત્યારે એક કલ્ચરનું મૃત્યુ થાય છે એવું એમર્સને કહ્યું છે. ગુજરાતી ભાષા ખતમ થશે ત્યારે શું ખતમ થશે? આપણું પોતાપણું (આઈડેન્ટિટી) ખતમ થશે. આમ આપણે જ બચવાનું છે. ગુજરાતી માધ્યમના આગ્રહ માટે રાજકોટના હર્ષદ પંડિતે જહેમત ઉઠાવી છે. તેના માટે એ આંદોલન ચલાવી રહ્યા છે.
ભગવદ્ગોમંડલ તરફથી મને કયારેય નિરાશા સાંપડી નથી. રોજ કેટલીય વાર શબ્દકોશોનાં પાનાં ઉથલાવવાં પડે છે. પરિણામે શબ્દકોશ જલદી ફાટી જાય છે. એનાં પાનાં છૂટાં પડી જાય છે. વેબ્સ્ટર ડિક્શનરી કે ઑક્સફર્ડ ડિક્શનરી નું કામ સતત ચાલતું જ રહે છે અને નવા શબ્દો ઉમેરાતા રહે છે. ભગવદ્ગોમંડલ પોતે એક યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટી સતત ચાલુ રહેવી જોઈએ. રામાયણનું ભાષ્ય લખતી વખતે અશ્ચમેધ યજ્ઞની વાત આવી ત્યારે આ જ્ઞાનકોશ મદદે આવ્યો અને લગભગ અલભ્ય એવી માહિતી પ્રાપ્ત થયેલી. થોડાક જ દિવસો પર પંડિત મંડનમિશ્ર વિશે લખવાનું બન્યું ત્યારે ફરીથી ભગવદગોમંડલ ની મદદ મળી. આવાં તો અસંખ્ય ઉદાહરણ આપી શકાય તેમ છે.
રાજકોટના પ્રવીણ પ્રકાશને ૧૯૮૬માં આવા અપ્રાપ્ય ગ્રંથને પ્રગટ કરીને બહુ મોટું સાહસ કર્યું હતું. તાજેતરમાં તારીખ ૧૨ મે, ૨૦૦૮ને દિવસે એની નવી આવૃત્તિનું વિમોચન સ્વામી સચ્ચિદાનંદને હસ્તે થયું. શબ્દકોશો તૈયાર કરવામાં ગુજરાતના પટેલોનું પ્રદાન સવિશેષ છે. ગુજરાતી સાર્થ જોડણીકોશનું અને હિંદી-ગુજરાતી કોશનું કામ મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ કર્યું હતું. એ જ રીતે સંસ્કૃત-ગુજરાતી વિનીત કોશનું કામ ગોપાળભાઈ જીવાભાઈ પટેલે કર્યું હતું. મગનભાઈ દેસાઈ જ્ઞાતિએ પટેલ હતા. ભગવદ્ગોમંડલ તૈયાર કરવાનું કામ છવ્વીસ વર્ષ સુધી ચંદુલાલ બ. પટેલની દોરવણી હેઠળ ચાલ્યું હતું. આવો શબ્દયજ્ઞ આપણી અસ્મિતાની જાળવણી માટે થયો.
ગોંડલનાં મહારાણી નંદકુંવરબાના ઉલ્લેખ વિના ભગવદ્ગોમંડલની વાત અધૂરી ગણાય. નંદકુંવરબાએ અનેક વિદેશપ્રવાસો કર્યા હતા. એમણે લખેલું પ્રવાસવર્ણન ગોમંડલ પરિક્રમ, પૃથ્વી-પ્રદીક્ષણા ૧૮૯૯માં લખાયું અને ૧૯૦૨માં પ્રગટ થયું. પછી બરાબર ૮૬ વર્ષ બાદ ૧૯૮૮માં ગુજરાત સાહિત્ય અકાદમી એ ફરીથી પ્રગટ કર્યું છે. રાણી નંદકુંવરબાને ચંદ્રવદન મહેતાએ ગુજરાતી ગદ્યાનાં પ્રથમ લેખિકા કહીને નવાજ્યાં છે. પુસ્તકમાં વાંચવા મળતી એક રસિક વાત સાંભળો. ડેન્માર્કના ગામડાની છોકરીઓ ટહુકાર કરતી કોયલને પૂછેઃ મારા લગ્ન ક્યારે થશે અને જવાબમાં જેટલી વાર કોયલ ટહુકે એટલાં વર્ષ ગણી લેવાના!
ગોંડલના મહારાજા જેવા પ્રજાનિષ્ઠ, કર્મનિષ્ઠ અને વિદ્યાનિષ્ઠ મુખ્ય પ્રધાનો અને વડા પ્રધાન દેશને મળે તો ગરીબી ભાગી છૂટવા માટે ટાંપીને બેઠી છે. તમારા ઘરમાં ભગવદ્ગોમંડલ ન હોય તો માનજો કે તમે ગુજરાતી હોવાનો ઢોંગ કરી રહ્યા છો.