ગોંડલ Heritage સમાપ્ત Fini
English

 ફૂલછાબ  સૌરભ                                                                                                                     ફેબ્રુઆરી ૨૦૦૪

રાજકોટ  રવિ પૂર્તિ                                                                                                                  રાજેન્દ્ર દવે

            

મહારાજા ભગવતસિંહજીના દરબાર ના રત્ન  

ચંદુલાલ બહેચરલાલ પટેલ

આજથી ૬૦ વર્ષ પહેલા મહાત્મા ગાંધીજી પંચગની હતા ત્યારે તેમણે પંચગનીથી તા. નવમી એપ્રિલ ૧૯૪૪ના રોજ સૌરાષ્ટ્રના ગોંડલ ગામે એક વ્યકિતને એક પોસ્ટકાર્ડ લખ્યું હતું. એ પોસ્ટકાર્ડમાં ગાંધીજીએ સ્વહસ્તે લખ્યું હતું.. “ભાઈ ચંદુલાલ, પ્રસ્તાવના લખવાની મારી શકિત નથી. તમારા સાહસ થી હું મુગ્ધ થયો છું.  એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.” ગોંડલના શિક્ષણવિદ્ ચંદુલાલે પોતે સંપાદિત કરેલ ગ્રન્થની  પ્રસ્તાવના લખી આપવા ગાંધીજીને વિનંતી કરી હતી.પરંતુ ગાંધીજીએ , પોતાની અશક્તિ દર્શાવી હતી. એ ગ્રંથ એટલે “ભગવદ્ ગોમંડળ' અને ગ્રંથના સંપાદક એટલે ગોંડલના જ નહી, સમગ્ર ગુજરાતના ગૌરવસમા શબ્દયોગી ચંદુલાલ બહેચરલાલ પટેલ.

તેમનો જન્મ ઇ. ૧૮૮૯ની પમી ઔગસ્ટે જામનગર મુકામે થયેલો. સમર્થ વેદાંતી દાદા ત્રિક્રમજી પુરુષોતમ પટેલ, અને નૈસર્ગિક પ્રતિભા સંપન્ન કવિ, વિદ્વાન લેખક ને સમર્થ કેળવણીકાર પિતા ‘વિહારી’ બહેચરલાલ પટેલ તરફથી જ્ઞાન, પ્રતિભા અને વિદ્વાત્તાનો વિરલ ત્રિવિધ યોગયુકત વારસો તેમને મળ્યો. પ્રાથમિક કેળવણી આદર્શ શિક્ષક પિતા  પાસેથી ગોંડલ રાજ્યનાં ભાયાવદર ગામમાં લઈ તેઓ ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ માટે જોડાયા, જ્યાં રહીને માત્ર સાડા પાંચ વર્ષમાં તેઓ મેટ્રિક થયા.


 આ અરસામાં 'જીવદયા' એ વિષય પર નિબંધ “લખવાની હરીફાઇમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં પ્રથમ આવી તેમણે ઇનામ મેળવેલું. ઉચ્ચ કેળવણી ભાવનગર મુકામે સામળદાસ કોલેજમાં લઇ તેઓ ઇ. ૧૯૧૪માં ઔચ્છિકવિપય ગણિત સાથે બી.એ થયા. શિક્ષણ કાળનો આ તબક્કો તેમના જીવનમાં પરીક્ષા ઓ પાસ કરી ડિગ્રી મેળવવા જેટલા જ નજીવા મહત્ત્વનો ન હતો. હવેથી શરૂ થતી તેમની રાજ્ય, કેળવણી, સાહિત્ય, સમાજ વગેરે ની બહુમુખી સેવાઓની પાછળ ના ચિંતન- મનન- પરિશીલન ના બીજ તેમના આ અધ્યયન કાળમાં જ વવાઇ ચૂકેલા. સુરતના પટેલ વિદ્યાર્થી આશ્રમમાં રહી તેમણે ત્યાંથી નિકળતા “પટેલ-બંધુ” માસીકના સંપાદન માં ગણના પાત્ર ફાળો આપેલો ત્યારથી  તેઓ શ્રી રણજિતરામ વાવાભાઇના સંપર્કમાં આવેલા. અને પછી ત્યાં ભરાયેલી સાહિત્ય પરિષદ પ્રસંગે એમની સાથે રહી એક અગ્રણી સંચાલક તરીકે કામ કર્યું હતું. આમ, જીવન ના આ ઊગમ કાળથી જ તેમનું લક્ષ રાષ્ટ્ર સેવામાં ખેંચાયું, અને તે સેવા તેમણે પોતાની વિશિષ્ટ અને સુકલ રાજ્ય સેવા દ્વારા બજાવી.


ઇ. ૧૯૧૬માં જાડી પછેડી જેવું ધોતિયું, શુદ્ધ સ્વદેશી અંગરખું અને એવી જ માથે પાઘડી પહેરેલા આ દેશસેવક ગોંડલ રાજ્યના પરીક્ષક તરીકેની નોકરી શરૂ કરી, દસેક વર્ષ પરીક્ષક તરીકે ગાળી પ્રાથમિક શાળાઓની ત્રુટીઓ તથા કેળવણી ના ક્ષેત્રમાં થવા જોઇતા મહત્વના ફેરફારો તેમની ચકોર નજરે પારખી લીધા. કેળવણી ના ક્ષેત્રમાં ધાર્યા પરિણામો લાવવા તેમની શકિત કેટલી સહાયકારી બની હશે તેનું માપ ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજી એ તરત લઈ લીધું અને તેમને રાજ્યના કેળવણી ખાતાના વિદ્યાધિકારી પદે મૂક્યાં. આ પદે આવીને અથાગ પરિશ્રમ લઇ પહેલું કામ એ કર્યું કે માત્ર એકજ વર્ષમાં  પ્રવર્તમાન યુગ અને સંસ્કાર ઘડતર ઉભય ને આવરી લેતી ને ગરીબમાં ગરીબ વિદ્યાર્થી ખરીદી શકે તેવી પડતર કિંમતે મળી શકતી, સસ્તી ગુજરાતી સાત ચોપડીઓ ની વાચનમાળા રાજ્ય તરફથી પ્રસિદ્ધ કરી. આ વાચનમાળા ની વિશિષ્ટતા એ હતી કે વિદેશી સરકારના એ જુલમી શાસન કાળમાં જ્યારે કોઇ સરકારી કેળવણીકાર હિન્દી રાષ્ટ્રીયતાનું નામ સરખું ઉચ્ચારી શકતો નહી ત્યારે તેમાં દાંડી કૂચની યે પૂર્વે. ૧૯૨૬ માં મહાત્મા ગાંધીજી અને એવા બીજા અગ્રગણ્ય, દેશનેતાઓની છબીઓની સાથે તેમના સિદ્ધાંતો અને જીવન પરિચય આપતા પાઠો આપવામાં આવ્યાં હતા.

ગુજરાતી વાચનમાળા પછી તરત તેના જેવીજ રાષ્ટ્રીય અને સંસ્કારી ભાવના પોષક તથા સસ્તી અંગ્રેજી વાચનમાળા તેમણે શરૂ કરી અને ક્રમે ક્રમે અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત હિન્દી વગેરે પાઠયપુસ્તકો પણ ગોંડલમાંજ પ્રસિદ્ધ કરાવી તેમને રાજ્ય કેળવણી ના પ્રકાશનો માં ગુણ અને સંખ્યા (જેનો આંકડો ૧૬૧ થવા જાય છે) ની દ્રષ્ટિ એ અભૂતપૂર્વ વૃદ્ધિ કરાવી. ઉપરાંત રાજ્યમાં કેળવણી ક્ષેત્રે તેમને ઘણાં મહત્ત્વનાં સુધારાઓ દાખલ કરાવ્યા.


પ્રાથમિક શાળાનો આઠ વર્ષનો લાંબો અભ્યાસક્રમ ટૂંકાવીને તેમણે છ વર્ષનો કર્યો, કન્યા કેળવણી આખા રાજ્ય માં મફત અને ફરજિયાત બનાવી, ભાષાઓની વાચનમાળા સિવાયના અન્ય વિષયોના વિદેશી ભાવના વાળા મોંઘા પુસ્તકોને બદલે રાજ્યનાં તજજ્ઞ નિષ્ણાતોની સહાયથી રસિક છતાં સસ્તાં અને સ્થળ કાળ તથા પાત્ર ને યોગ્ય ન્યાય આપતા પાઠયપુસ્તકો રાજ્યમાં ચાલુ કર્યાં, ઈ. ૧૯૨૭માં રાજ્યની મંજૂરી મેળવી શિક્ષકોને, તાલીમ આપવા માટે ગોંડલમાં એક અધ્યાપન મંદિર શરૂ કર્યું, અને રાજ્યમાં ગામેગામ નવી પાકી નિશાળો બંધાવી, શિક્ષણ પાછળ એટલું તો લક્ષ કેન્દ્રિત કર્યું કે કયાંક તો ભણવા આવનાર એક જ બાળકની પાછળ પણ આખી  નિશાળનો ખર્ચ નિભાવાતો. ‘જેવી કેળવણી તેવો દેશ’ એ સૂત્રને સતત નજર સમક્ષ રાખી રાજ્યનું નાના માં નાનું ગામડું યે પ્રગતિશાળી જગત વિષે ખ્યાલ મેળવી શકે તે માટે તેમણે ઇતરવાચન પત્રિકા (માસિક)ને સ્વાધ્યાયપત્રિકા (સાપ્તાહિક) બબ્બે પૈસાની નજીવી કિંમતે રાજ્યમાં બધે પહોંચતી કરવાની ગોઠવણ કરાવી.

એમની કાર્ય કરવાની ઉચ્ચ આવડત અને અવિરત શ્રમ થી કાર્યને દીપાવવાની શકિત થી ગોંડલ નરેશે પ્રાંસગોપાત જરૂરિયાતના વિવિધ કાર્યો પણ એમેને સોપેલા. મહારાજા ના સુવર્ણ મહોત્સવ સમયના સુવર્ણ તુલાવિધિના રૂ. બે લાખના સુવર્ણ નો યોગ્ય સદુપયોગ રાજ્યના ગામડે ગામડે કૂવા, અવેડા જળાશયો બંધાવાનું કામ તથા સ. ૧૯૫૬ના દુકાળ – નિવારણ સમયે રાજ્ય તરફથી રૂ ૨૭ લાખ નું ઘાસ ઢોરો ને નિરવાની વ્યવસ્થાનું કામ  અને ઈ. ૧૯૪૧ના વસતિ ગણતરીના ગોંડલ રાજ્યનાં સેન્સસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નું કામ. ઉપરાંત રાજ્યનાં નિરાશ્રિત ગૃહ અને બાલાશ્રમ ની- દેખરેખ નું કામ તેમને સોંપાયેલું. જેમાં પણ અગત્ય ના સુધારાઓ કરાવી તેમણે એ સંસ્થાઓને કાર્યક્ષમ બનાવી.


કેળવણી ઉપરાંત તેમનું કીર્દિતા બનેલું સૌથી વધુ મહત્ત્વનું, અને જે મહત્વ ને અન્વયે તેમણે ઇ.૧૯૫૪ નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો છે તે કાર્ય છે સમસ્ત ભારતીય ભાષાઓમાં અદ્વિતીય એવા ગુજરાતી ભાષા ના ગોંડલ નરેશ ભગવતસિંહજી કૃત, સમૃદ્ધ, વિરાટ અને શકવતી કોષગ્રંથ ‘ભગવદંગોમંડલ’ ના સંપાદન નું, તેના દળદાર નવ ભાગો ના ૯,૨૭૦ પૃષ્ઠોમાં કુલ ૨,૮૧,૩૭૭ શબ્દો, તેના ૫,૪૦,૪૫૫ અર્થો સાથે સંગ્રહવામાં આવેલા છે. સાધારણ શબ્દકોષની દ્રષ્ટિ એ એમાં માત્ર શબ્દો ના અર્થો જ નહીં, પરંતુ વ્યાકરણ, વ્યુત્પતિ, સ્ફોટક વિગતો, કહેવતો અને રૂઢિપ્રયોગોને મબલખ પ્રમાણમાં, જરૂર પડે ત્યાં સચિત્ર, આપવામાં આવ્યા છે, જે આપણને તેની સરખામણી કોઇ સંદર્ભગ્રંથ (એન્સાઈક્લોપીડિયા) સાથે કરવા પ્રેરે છે.

મહાત્મા ગાંધીજીની વિચારશ્રેણીના તેમના અભ્યાસ ના પરિપાક રૂપે ગુજરાત ને ત્રણ વિશિષ્ટ પ્રકારના પુસ્તકો પણ તેમણે આપ્યા છે. (૧) ‘ગાંધીજીનાં વિચારરત્નો’ (૨) ગીતાના જ સમશ્લોકી પદ્યબંધમાં ગાંધીજીના જીવનસિદ્ધાંતોને ૭૦૦ શ્લોકોમાં જનરૂપતી 'ગાંધી ગીતા'ને (૩) હજાર હજાર પાનાના નવ ભાગમાં મહાત્માજીએ કરેલી  શબ્દો ની વ્યાખ્યાને  અનુસરતો, 'ગાંધીજ્ઞાનકોષ'.


તેમની નોંધપાત્ર સેવાઓનું એક અંગ તે જ્ઞાતિસેવા પણ છે. જગત સમાજની સાથે સાથે ગુજરાતના ખેડૂત સમાજને પણ પ્રગતિશીલ વિચારોન્મુખ કરવામાં તેમણે આપેલો ફાળો માત્ર ગણનાપાત્ર જ નહીં, ઐતિહાસિક પણ છે. “પાટીદાર યુવક મંડળ' સંસ્થાના પ્રમુખપદ થી અને 'પટેલ બંધુ' પાટીદાર પરિષદોમાં તેમજ જ્ઞાતિ સંમેલનોમાં તેમણે આગેવાની ભર્યો ભાગ લીધેલો. વળી તેમણે રાજકીય નેતા તરીકે યે નોંધપાત્ર કામગીરી, સ્વ. મનસુખરામ રવજીભાઇ મહેતાના સાથી તરીકે તથા કાઠિયાવાડ રાજકીય પરિષદના શરૂઆતમાં ભરાયેલા અધિવેશનોની કારોબારી સભાના મંત્રીપદ થી, બજાવેલી.


ઇ.૧૯૪૮માં ગોંડલ રાજ્ય સૌરાષ્ટ્રમાં ભળી જતાં તેમના જ્ઞાન અને અનુભવનો લાભ સમગ્ર સૌરાષ્ટ્ર ને મળવાનો પ્રસંગ પ્રાપ્ત થયો, અને સમગ્ર સૌરાષ્ટ્રના ઉપવિદ્યાધીકારીના હોદ્દા ઉપર તેમની નિમણૂક થઇ. એ હોદ્દેથી તેમણે પ્રૌઢ શિક્ષણ ઉપરાંત અધ્યાપન મંદિરો, લોકશાળાઓ, પાઠયપુસ્તકો વગેરે મહત્ત્વની જવાબદારી ભર્યા કાર્યો બજાવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટી ની સેનેટમાં તેઓ સૌરાષ્ટ્રના એક પ્રતિનિધિ પણ હતા. સૌરાષ્ટ્રના દુકાળ નિવારણ સમયે ખાસ કાર્યક્ષમતા બતાવી. સૌરાષ્ટ્ર ની બહારથી કરોડો રૂપિયાનું ઘાંસ ખરીદી તેની વ્યવસ્થા કરવાનું કામ પણ ‘ગ્રાસ-ઓફિસર’ તરીકે તેમને સોંપાયું હતું. જેમાં તેમણે બજાવેલી કામગીરી ની કદર તરીકે સૌરાષ્ટ્ર સરકારે તેમને રૂ. બે હજારનું ઇનામ આપ્યું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર ને ગામડે ગામડે પુસ્તકાલયો સ્થાપવાની તેમને સોંપાયેલી કામગીરીને પણ તેમણે ઝડપી વેગ આપ્યો હતો. તેઓ નોકરીમાંથી નિવૃત્ત થયા હતા, પરંતુ તેઓ સેવાનિવૃત્ત થયા નહોતા. એક યુવાન ને પણ શરમાવે તેવા ઉત્સાહ થી તેમણે જીવન ના અંત સુધી અનેક નાના મોટા કાર્યો બજાવ્યા હતા. ર૮મી નવેમ્બર ૧૯૬૪ના રોજ તેમનું ૭પ વર્ષની વયે અવસાન થયું.


જી Ji
દાદી
Grandmother