બુધવાર, 28 નવેમ્બર, 2023 કારતક વદ બીજ, સંવત ૨૦૮૦.
મહાન “ભગવદ્ગોમંડલ” ના મહાન સંપાદક : ચંદુલાલ પટેલ
વારસો : તેમણે 'પટેલબંધુ' માસિક, 'પાટીદાર યુવક મંડળ, 'પટેલ વિદ્યાર્થી આશ્રમ' જેવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી
જેમણે “ભગવદ્ગોમંડલ” જેવા ગુજરાતી ભાષાના સર્વકાલીન મહાન ગ્રંથનું સંપાદનકાર્ય સફ્ળતાપૂર્વક કર્યું હતું અને જેઓ ગોંડલ સ્ટેટના વિદ્યાધિકારી હતા, એવા વિરલ વ્યક્તિ ચંદુલાલ બહેચરલાલ પટેલની આજે પુણ્યતિથિ છે. પાંચમી ઑગસ્ટ સને 1889માં સિહોર ખાતે જન્મેલા આપણાં આ સમર્થ કોશકારના પિતા બહેચરલાલ બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ હતા અને 'વિહારી' ઉપનામથી સાહિત્યસર્જન કરતા હતા. એ સમયમાં ચંદુલાલના પિતાએ 'વંદે માતરમ્' ગીતનો ગુજરાતી અનુવાદ કરેલો. “નમું સુફ્ળ વિમળ જળવાળી મા - વંદે માતરમ્, ધાન્યે લીલીછમ હરિયાળી - મા વંદે માતરમ્ .” નામથી આ અનુવાદગીતનું ગોંડલ રાજ્યની નિશાળોમાં એ સમયે નિયમિત ગાન થતું હતું. માતા મણિબાઈના હાથે સંસ્કારસિંચન પામેલા ચંદુલાલ પટેલનું પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંપન્ન થયેલું. મોતીભાઈ અમીન, કાન્ત, હિંમતલાલ અંજારિયા, ભિક્ષુ અખંડાનંદ વગેરે મહાનુભાવોના સંપર્કમાં આવવાથી તેમનામાં રાષ્ટ્રસેવાની પ્રબળ ભાવના પ્રગટી હતી. સને 1914માં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી, સમાજસેવા કરવાના હેતુથી પાટીદાર યુવક મંડળ'માં જોડાયેલા. ચંદુલાલ સને 1916માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં પરીક્ષક તરીકે અને સને 1926માં ત્યાં જ વિદ્યાધિકારી તરીકે નિયુક્ત થયા હતા.
અહીં એમને “ભાવતું હતું ને વૈદ્યે કીધું” જેવો માહોલ રચાતા વિદ્યાધિકારીનું પદ તેમને સેવાકાર્ય માટે સહાયક બની રહ્યું હતું. ગોંડલના દીર્ઘદ્રષ્ટા રાજવી આદરણીય ભગાબાપુની પ્રેરણા અને અનુમતિને લીધે તેમણે ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત બનાવી હતી. તેઓએ પ્રૌઢશિક્ષણના કાર્યને પણ રસપૂર્વક હાથમાં લીધું હતું. વળી, રાષ્ટ્રીયભાવનાને પ્રેરક અને પોષક બની રહે એવા સાહિત્યની વાચનસામગ્રી પણ તેઓએ તૈયાર કરાવી હતી. “કાઠિયાવાડ રાજકીય પરિષદ” ભરવામાં પણ તેઓએ એ સમયે ખૂબ સહયોગ કર્યો હતો. મહારાજા ભગવતસિંહજીએ તેમને બધી જ સગવડો કરી આપી એટલે ચંદુલાલ પટેલે રાજ્યના નિરાશ્રિાતગૃહ અને બાલાશ્રામની વ્યવસ્થામાં પણ સુધારો કરાવ્યો હતો.
ચંદુલાલ પટેલ પોતે નર્મદથી ખૂબ જ પ્રભાવિત હોવાથી તેમણે “પ્રેમશૌર્ય સોસાયટી” નામે સંસ્થા પણ સ્થાપી હતી. જે અંતર્ગત તેઓએ વિદ્યાર્થી આશ્રામ, પટેલબંધુ' માસિક, 'પાટીદાર યુવક મંડળ, 'પટેલ વિદ્યાર્થી આશ્રામ' જેવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. સને 1915માં સુરત ખાતેના “સાહિત્ય પરિષદ”ના અધિવેશનમાં રણજિતરામ મહેતાએ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામ્રપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની યોગ્ય સાચવણી અને જરૂરી વ્યવસ્થા કરવાનું જવાબદારીભર્યું કામ સોંપ્યું હતું.
ચંદુલાલ પટેલની કાર્યકુશળતા, નિષ્ઠા અને કામ કરવાની સૂઝ સાથેની પ્રતિબદ્ધતા જોઈ મહારાજા ભગવતસિંહજીએ તેમના મનમાં રમતું મહાન કાર્ય સંપન્ન કરવાની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું હતું. મહારાજાએ ચંદુલાલને ગુજરાતી ભાષાનો સર્વાંગસંપૂર્ણ શબ્દકોશ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. મહારાજા પોતે ખૂબ જ વિદ્વાન, ખૂબ જ સારા વિદ્યાપ્રેમી, કેળવણીના આગ્રહી, ઉમદા સાહિત્યપ્રેમી તથા પ્રજાવત્સલ, પ્રતિભા-પારખુ રાજવી હતા. એટલે મહારાજાને ખબર હતી કે, આ કામ જો કોઈ કરી શકે તો એ ચંદુલાલ પટેલ જ કરી શકે.
ચંદુલાલ પટેલે પણ શબ્દકોશ તૈયાર કરવાની મહારાજાએ સોંપેલી જવાબદારી હર્ષભેર સ્વીકારી લીધી હતી. પોતાના કાર્યાલયમાં જ સને 1928માં કોશવિભાગનો આરંભ થતા અત્યાર સુધીમાં ભારે જહેમતથી એકઠા કરાયેલા વીસ હજાર શબ્દોના અર્પણ સાથે મહારાજા ભગવતસિંહજીએ સને 1928ના પહેલી ઓકટોબરના રોજ ગ્રંથના સંપાદનકાર્યનો પ્રારંભ કરાયો હતો. આપણને નવાઈ લાગે એવી વાત તો એ હતી કે, ચંદુલાલ પટેલ સાંજના સાડા પાંચ વાગ્યા સુધી વિદ્યાધિકારી તરીકેનું પોતાનું નિયમિત કાર્ય સંભાળતા હતા અને સાંજના સાતથી દસ વાગ્યા સુધી કોશસંપાદક તરીકેનું કામ સંભાળતા હતા.
દસ વર્ષની મહેનત પછી સને 1938માં “ભગવદ્ગોમંડળ”નો 902 પાનાનો દળદાર પ્રથમ ખંડ પ્રગટ કરી શકાયો હતો. આ પ્રથમ ખંડમાં 'અ'થી 'અં' સુધીના છવ્વીસ હજાર છસ્સો સત્યાસી શબ્દો સમાવી લેવાયા હતા. છ વર્ષ પછી બીજો ખંડ સને 1944માં પ્રગટ થયો. જે પછી કામની ગતિ વધતા સને 1953માં 7મો અને 8મો ખંડ અને સને 1954માં 9મો ખંડ પ્રગટ કરવામાં આવ્યો હતો. વિદ્યાધિકારીના પદેથી નિવૃત્ત થયા પછીના ગાળામાં પણ ચંદુલાલ પૂરો સમય કોશકાર્ય માટે આપતા હતા. પૂરાં ઓગણત્રીસ વર્ષ સુધી શાંતિપૂર્વક, પ્રસિદ્ધિથી દૂર રહીને તેમણે પૂરી નિષ્ઠા અને ઝીણવટથી આ મહાન કાર્ય સંપન્ન કર્યું હતું. આ મહાન કાર્ય માટે કુલ રૂપિયા બે લાખ બોતેર હજાર ચારસો પચાસનું ખર્ચ થયું હતું. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે ચંદુલાલના આ અમૂલ્ય કાર્ય માટે તેઓને રૂપિયા અગિયાર હજારનું પારિતોષિક પણ આપ્યું હતું. આ કોશના સંપાદન માટે ગુજરાત સાહિત્યસભાએ સને 1954નો “રણજિતરામ સુવર્ણચંદ્રક” સાહિત્યકાર ન હોવા છતાં ચંદુલાલ પટેલને તેઓના આ મહાન સંપાદનકાર્ય માટે એનાયત કર્યો હતો. કમનસીબીની વાત એ હતી કે, આ કોશનું કાર્ય સંપન્ન થયું એ સમયે ભગવતસિંહજી બાપુની હયાતી નહોતી. કોશકાર્યની પૂર્ણાહૂતિ સમયે ગોંડલનરેશ વિક્રમસિંહજીએ તેમને રૂ.1,500નું ઈનામ આપ્યું હતું અને કહ્યું હતું કે, “શબ્દકોશ સદ્ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરું કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફળે જાય છે.”
ચંદુલાલ પટેલે “ગાંધીજ્ઞાનકોશ”નું પણ સંપાદન કર્યું હતું. “ગાંધીજીનાં વિચારરત્નો” શીર્ષક હેઠળ ચંદુલાલે ગાંધીજીના વિચારોનું સંપાદન કરેલું જેને ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠયપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવેલી ગોંડલ રાજ્યની વાચનમાળાઓ બીજાં રજવાડાંની શાળાઓમાં પણ ભણાવવામાં આવતી હતી.
ગોંડલ સ્ટેટ અને પછી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયા પછી, પાછલી વયે ચંદુલાલ પટેલ લકવાથી ગ્રસ્ત થયા હતા. એ સમયના એક પ્રસંગને રજનીકુમાર પંડયાએ “શબ્દયોગી” નામે લખેલા ચંદુલાલના શબ્દચિત્રમાં મર્મસ્પર્શી રીતે વર્ણવ્યો છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ લકવાથી કામ નહોતો કરતો એટલે તેમના એ વખતના વર્ષો જૂના વિશ્વાસુ કારકુને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો. જેથી પેન્શન મેળવવા બાબતે પ્રશ્ન ન ઊભો થાય. વાત સાંભળીને ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ તે દિવસે ઉશ્કેરાઈ ગયેલા. કારકુનને બરાબરના તતડાવી નાખેલા ને કહેલું, “અંગૂઠો તો ગોંડલરાજની એકેય કન્યા પણ નથી પાડતી ને હું અંગૂઠો પાડું? નથી જોઈતું મારે પેન્શન. લઈ જાઓ કાગળિયાં.” ચંદુલાલ પટેલની આવી હતી ખુમારી ! સહી ન કરી શકવાની સ્થિતિમાં ચંદુલાલ પટેલને પેન્શન ન લેવું મંજૂર હતું, પણ અંગૂઠો મારી પેન્શન લેવું હરગીજ મંજૂર નહોતું.
તેમના પુત્રો દ્વારા તેમનું જીવનચરિત્ર “જીવનપંથ” નામથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ચંદુલાલ પટેલની જીવનકથા “જીવનરંગ” નામથી પ્રગટ થઈ હતી. જેનું સંપાદન સાવિત્રીબહેન પટેલ, પ્રફુલ્લચંદ્ર પટેલ અને કૃષ્ણચંદ્ર પટેલ દ્વારા થયું હતું. 28મી નવેમ્બર સને 1964માં આ મહાન વ્યક્તિત્વએ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. નવી પેઢીના કેટલા લોકો ચંદુલાલ પટેલના મહાન સંપાદકાર્યથી અવગત હશે એ પ્રશ્ન છે ! “ભગવદ્ગોમંડળ” જેવા મહાન શબ્દકોશને શબ્દદેહ આપના દૃષ્ટિવંત કેળવણીકાર ચંદુલાલ પટેલને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે વંદન.