સ્કૂલમાં રાજા પડી નથી ને બધા વિહારી કુટુંબના પૌત્રો ગીતા ભવન પહોંચી ગયા હોય! અંજુ સૌથી મોટી, અને વિહારી પલ્ટન ની મુખી. મીનુ અને પરિયો કારસ્તાન ના આગેવાન, અને બાકી બધ્ધા ગાડી ના ડબ્બા એન્જિન ની પાછળ સાંકળી માં દોડે! કમલ બિમલ નાના, મેહુલ ઇન્ટર-પિંટર, એટલે પલટન માં દિપક રાજૂ નિખિલ સોનલ અને દીના. મોટી બહેન પારૂલ, આ કચ્ચા બચ્ચા ની ધમાલ જોયા કરે. મમ્મી કે કાકી તો હોય, પણ આખી બચ્ચા પાર્ટી બા ના હાથમાં. નાસ્તા થી માંડી ને વાળુ સુધી બધા બેસી જાય, અને બા પીરસે. હિંમત કોઈ ની કે આ નથી ભાવતું કે આ નહીં ખાઊં કે એઠું મૂકે? "બાજુ ને બંગલે જનમ લેવો હતો!" બા નો ટકોર આવે - બાજુ નો બંગલો એટલે ગોંડલ ના બાપુ નો મહેલ! રાતે પરવારી ને ઓસરી માં બેસી સંચા ના આઈસક્રીમ નો પ્રોગ્રામ હોય - બા ની દેખરેખ માં.
ઉનાળો હોય એટલે બપોરે જાંપે ગોલા વાળો દેખાયજ. બા ને ખબર જ હોય કે એમની પલ્ટન ને ગોલા માં ખૂબ રસ છે, પણ કામ કર્યા વિના કઈ ગોલા માટે પૈસા મળે? સવારેજ કામે લગાડ્યા હોય બધાને: ઓસરી સાફ કરો, ઝાડ નીચે ના ડાળખા ખૂણે ભેગા કરો, નીચે પડેલી કેરી કે આમલી ભેગી કરો માટી ના ઊડે ત્યાં પાણી છાંટો, વગેરે. અને છોરા દીઠ પંચિયું આપે, અને આખી પલ્ટન ગોલા ખાય.
ગીતા ભવન માં કેરી આમલી રાયણ એવા ફળ ના ઝાડ હતા, અને ફળ લાગ્યા હોય તો થોડા તોડવા દેતાં.
પછી આવે ફૂલ નો વારો. કદમ્બ ના ઝાડ હતાં, એ ફૂલ તોડવાના અને બાપાજી ના પગલે ધરાવવા ના. પણ એ પહેલા પગલાં ને ઘસી ઘસી ને સાફ કરવાના. બોરસલી ના ઝાડ પણ હતાં. પણ બોરસલી કંઇ તોડાય નહીં. રાતે એની મેળે પડે, એટલે રાત ના બોરસલી ની નીચે પાણી છાંટવાનું, જેથી ફૂલ પડે એને માટી ના લાગે. સવારે વીણવાના અને બા ને પૂજા માટે આપવાના.
એ જમાનામાં ખાસ મોટા ઘર ની સ્ત્રીઓ બજાર ના જાય. ગીતાભુવને પણ એવિજ શિસ્ત હતી. દરરોજ ચુનીલાલ માસ્તર આવે, અને બા એમને શું લાવવાનું છે એ યાદી આપે, અને માસ્તર એ બધુ લઈ આવે. કોઈ ક વારે અમે છોકરાઓ બજારે પહોંચ્યા હોય અને કંઇ લેવું હોય તો લેવાનું, પૈસા તો હોયજ નહીં, એટલે "બંગલે થી આવ્યા છીએ" એટલું કહીએ એ પૂરતું થઈ રહે!