Up બી બી સી સંદેશ Sandesh 
English

ચંદુલાલ પટેલ : ગોંડલરાજના એ વિદ્યાધિકારી જેમણે ‘ભગવદ્ગોમંડલ’નું સંપાદન કરી ગુજરાતી ભાષાની સેવા કરી.

 










તસવીરકાર પુત્ર પ્રફુલ્લભાઈ પટેલે પાડેલી પિતા ચંદુલાલની તસવીર

લેખની માહિતી

લેખક, ઉર્વીશ કોઠારી

પદ, બીબીસી ગુજરાતી માટે

27 માર્ચ 2023

 

ગુજરાતીઓ વિશેની માન્યતાનાં અનેક ચોકઠાં તોડીને, વિવિધ ક્ષેત્રોમાં માતબર પ્રદાન કરનારા ગુજરાતીઓને યાદ કરવાનો અને ગુજરાતની અસ્મિતાની અસલી ઓળખ અંકે કરવાનો ઉત્સવ એટલે આ શ્રેણી.


ગોંડલ રાજ્યના પ્રગતિશીલ વિદ્યાધિકારી ચંદુલાલ પટેલે નવ ભાગમાં પથરાયેલા અને 2.81 લાખ શબ્દો ધરાવતા ‘ભગવદ્ગોમંડલ’ શબ્દકોશના સંપાદક તરીકે ગુજરાત અને ગુજરાતી માટે બહુ મોટું કામ કર્યું.


પરાધીન ભારતનાં 550થી પણ વધુ રજવાડાંમાંથી મોટા ભાગનાં અત્યાચાર, શોષણ અને દમનમાં સબડતાં હતાં, ત્યારે ગોંડલ જેવાં કેટલાંક અપવાદરૂપ રજવાડાંમાં પ્રજાલક્ષી અને વ્યાપક હિતનાં મહત્ત્વનાં કામ થયાં. બ્રિટનમાંથી તબીબી અભ્યાસ કરનારા ગોંડલના દૃષ્ટિવંત રાજવી ભગવતસિંહની દૃષ્ટિ અને તેમની નિષ્ઠાનું એ પરિણામ હતું. તેમની એ ખૂબીને કારણે ચંદુલાલ પટેલ જેવા યુવાન રાજ્યની સેવામાં જોડાયા અને વિદ્યાક્ષેત્રે મહત્ત્વનાં કામ કરી શક્યા.

 

કૉલેજકાળથી દેશસેવા-વિદ્યાસેવાનો ઉમંગ


જાણીતા કવિ ‘વિહારી’ના પુત્ર તરીકે સાહિત્ય-વાચનના સંસ્કાર ચંદુલાલને ઘરમાંથી જ મળ્યા હતા. શિહોરમાં 1889માં જન્મેલા ચંદુલાલે ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી ગણિત સાથે બી.એ. કર્યું, ત્યાં સુધીમાં અભ્યાસ અને સમાજસેવા—એ બંને ક્ષેત્રે તેમની રુચિ કેળવાઈ ચૂકી હતી. કૉલેજમાં તેમણે થિયોૉફિકલ સોસાયટીનું કામ જોઈને અને નર્મદનાં લખાણ વાંચીને કેટલાક મિત્રો સાથે ‘પ્રેમશૌર્ય સોસાયટી’ની સ્થાપના કરી. તેમાંથી આગળ જતાં 'પાટીદાર યુવક મંડળ' સહિત જુદીજુદી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી.

સુરતના 'પટેલ વિદ્યાર્થી આશ્રમ' સાથે સંકળાયેલા ચંદુભાઈને ગોંડલમાં સ્થાયી થવાનું અનાયાસે બન્યું. ગોંડલના મહારાજા ભગવતસિંહ તેમની 51મી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યનાં જુદાંજુદાં ગામોની મુલાકાત લેતા હતા. તેમની મોટી મારડ ગામની મુલાકાત વખતે સ્થાનિક યજમાને સુરત પાટીદાર યુવકમંડળને અને ચંદુલાલને ખાસ આમંત્રણ આપ્યું હતું. ત્યાં ચંદુલાલે કરેલા ભાષણથી ભગવતસિંહ પ્રભાવિત થયા. તે પછી ગોંડલમાં કેળવણીખાતામાં એક પરીક્ષકની જગ્યા પડતાં પિતાના આગ્રહથી ચંદુભાઈએ અરજી આપી અને તેમની પસંદગી થઈ.

ગોંડલ ચંદુભાઈને અને ચંદુભાઈ ગોંડલને એવાં ફળ્યાં કે 1916થી 1952 સુધી તેમણે કેળવણીખાતામાં કામ કર્યું. તે પછી પણ ‘ભગવદ્ગોમંડલ’ના ચાલુ કામે છેક 1955 સુધી જોડાયેલા રહ્યા. તેમની જીવનકથામાં નોંધાયા પ્રમાણે, ગાંધીજીની વિચારસરણી પ્રત્યે તે પહેલેથી આકર્ષાયા હતા અને અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલા કોચરબ આશ્રમમાં તે અવારનવાર જતા હતા. ગોંડલમાં પણ ભગવતસિંહને કારણે બીજાં રજવાડાંની સરખામણીએ ગાંધીવાદી પ્રવૃત્તિઓ માટે ઘણી મોકળાશ હતી. એટલે ગાંધીજી, ખાદી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથેનું ચંદુલાલનું જોડાણ ચાલુ રહ્યું.


સંપાદનની શરૂઆત

ગોંડલના યુવાન વિદ્યાધિકારી ચંદુલાલ

ગોંડલ રાજ્યમાં વિદ્યાધિકારી બન્યા પછી સૌપ્રથમ તેમણે ગાંધીવિચારના એક પુસ્તકનું સંપાદન કર્યું. ગાંધીજીની વિચારસૃષ્ટિમાંથી 14 મુદ્દા તારવીને, તે વિશે ‘નવજીવન’માં છપાયેલાં ગાંધીજીનાં લખાણમાંથી અવતરણો પસંદ કર્યાં. તેમાં સત્ય, અહિંસા, અસ્પૃશ્યતા જેવા વિષયો ઉપરાંત ગ્રામ્યલોક અને દેશી રાજ્ય જેવા વિષયોનો પણ સમાવેશ થતો હતો. ‘ગાંધીજીનાં વિચારરત્નો’ એવું શીર્ષક ધરાવતા એ સંગ્રહની ખરાઈની કાકાસાહેબ કાલેલકરે પ્રશંસા કરી અને ગુજરાત વિદ્યાપીઠે તેને પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કર્યું.

વિદ્યાનો વેપાર ન થાય એવું માનતા આ વિદ્યાધિકારીએ પુસ્તકની બીજી આવૃત્તિ વખતે તેના પાંચ ભાગ પાડીને, દરેક ભાગ બે પૈસામાં ઉપલબ્ધ બનાવ્યો. ગાંધીવિચારના અભ્યાસી કિશોરલાલ મશરૂવાળાએ તેમને લખ્યું હતું, “બીજી આવૃત્તિનું પુસ્તક મળ્યું. પૂજ્ય બાપુજી તે જોઈને ખુશ થયા છે. એમને પહેલી આવૃત્તિનો ક્રમ વધારે યોગ્ય લાગ્યો છે. પહેલું ‘સત્ય’ અને છેલ્લું ‘સ્વરાજ’ એ એમને બહુ ગમ્યું ને સ્વાભાવિક લાગ્યું...બે-બે પૈસામાં ચોપડી બહાર પાડવાનો વિચાર એમને બહુ ગમ્યો છે.”

મહારાજા ભગવતસિંહની પહેલથી ગોંડલમાં કન્યાઓની કેળવણી ફરજિયાત બનાવતો કાયદો પણ ચંદુલાલના સમયમાં આવ્યો. સ્થાનિક અગ્રણીઓએ વિવિધ બહાનાં કાઢીને તેને અટકાવવાના ઘણા પ્રયાસ કર્યા પણ શક્ય એટલી સમજાવટ અને ન છૂટકે દંડની મદદથી તેનો પાકો અમલ કરવામાં આવ્યો. તેમના સમયમાં તૈયાર થયેલી ગોંડલ રાજ્યની વાચનમાળા એટલી વખણાઈ કે તે બીજાં રજવાડાંમાં અને રાષ્ટ્રીય શાળાઓમાં પણ ચાલતી હતી. એટલું જ નહીં, કલકત્તા, નાગપુર, ઝરિયા, મદ્રાસ (ચેન્નઈ) જેવાં દૂરનાં મથકોમાં ચાલતી ગુજરાતી શાળાઓમાં અને બર્મા-આફ્રિકાની ગુજરાતી શાળાઓમાં પણ વપરાતી હતી.

સરકારી વાચનમાળાનો મજબૂત વિકલ્પ પૂરો પાડતી આ વાચનમાળા કન્યાઓ અને કુમારો માટે એક સરખી રાખવામાં આવી હતી. તેમાં દેશદાઝને પોષે અને પ્રોત્સાહન આપે એવી સામગ્રીની ગુણવત્તાને વ્યાપક આવકાર મળ્યો. હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદથી માંડીને વિજયરાય વૈદ્ય જેવા વિવેચકો વાચનમાળાની સાથે ગોંડલના વિદ્યાધિકારી ચંદુલાલનાં પણ વખાણ કર્યાં.

 

ભગવદ્ગોમંડળ : મુગ્ધ કરતું મહાકાર્ય

ઑક્ટોબર, 1928માં મહારાજા ભગવતસિંહે ગુજરાતી ભાષાના મહત્ત્વાકાંક્ષી શબ્દકોશનું કામ શરૂ કરાવ્યું, તે પહેલાં નર્મદે કરેલા નર્મકોશથી માંડીને ગુજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણી કોશ જેવા કેટલાક કોશ મોજુદ હતા. વિદ્યાપીઠના સાર્થ કોશની પહેલી આવૃત્તિમાં 43,743 શબ્દો હતા, જેની સંખ્યા બે આવૃત્તિ પછી 56,830 સુધી પહોંચી પણ ભગવતસિંહ અને ચંદુલાલને તેનાથી સંતોષ ન હતો. તે ફક્ત જોડણી અને અર્થ આપવાને બદલે સમાનાર્થી શબ્દો, કહેવતો, શબ્દોની વ્યુત્પત્તિ, ચિત્રો, બીજી ભાષાના સમાનાર્થી શબ્દો જેવું બીજું ઘણું આપવા ઇચ્છતા હતા.

મહારાજા ભગવતસિંહે પોતે અંગત રસ અને પ્રયાસથી એકઠા કરી રાખેલા 20 હજાર શબ્દોથી કોશકાર્યની શરૂઆત થઈ. કોશનું નામ ભગવદ્ગોમંડલ રાખવામાં આવ્યું, જેનો એક અર્થ ભગવતસિંહનો શબ્દસંગ્રહ થાય, તો વ્યાપક અર્થ બૃહદ જ્ઞાનકોશ પણ થાય. તેમાં વિવિધ વ્યવસાયોના, પ્રાંતોના, સાહિત્યના, વિધિવિધાનના, વિષયોના, ચીજવસ્તુઓના એમ અનેક પ્રકારના શબ્દોને ચીવટપૂર્વક એકઠા કરવામાં આવ્યા. મહારાજા પોતે પણ એ કામમાં અત્યંત ઊંડો રસ લેતા હતા. ક્યારેક કોઈ શબ્દ જાણવા મળે અને તેને લખી લેવા માટે બીજું કશું ન હોય તો પોતાના ઝભ્ભાની ચાળ ઉપર પણ ભગવતસિંહ એ શબ્દ લખી લેતા. ચાણક્યના અર્થશાસ્ત્રથી માંડીને દળદાર અંગ્રેજી પુસ્તકોમાંથી શબ્દો શોધીને આ કોશમાં ઉમેરવામાં આવતા હતા.

શરૂઆતમાં ગોંડલ કોશ તરીકે ઓળખાતા આ પ્રોજેક્ટમાં લોકોનો સહકાર મેળવવા માટે અપીલ બહાર પાડવામાં આવી હતી. તે વખતે સૌરાષ્ટ્ર કરતાં કચ્છ અને ગુજરાત જુદા હોવા છતાં, ત્યાંના લોકો અને જાણકારો પાસેથી પણ શબ્દો મેળવવામાં આવતા હતા. કોઈ મસમોટી સાહિત્યસંસ્થા પણ ન કરી શકે એવું કામ એક પ્રતિબદ્ધ રાજવી અને તેમના સંનિષ્ઠ વિદ્યાધિકારીએ હાથ ધર્યું અને પાર પાડ્યું, તે ગુજરાતી ભાષાની વીરલ ઘટના છે.

 

આવકાર અને ઓવારણાં

                            મહારાજા ભગવતસિંહજી

‘ભગવદ્ગોમંડલ’નું કામ 1928થી 1955 ચાલ્યું. કુલ નવ ભાગમાં પ્રગટ થયેલા આ કોશનાં 9,270 પાનાંમાં કુલ 2.81 લાખ શબ્દો સમાવવામાં આવ્યા. બધું મળીને કોશ પાછળ રૂ. ત્રણ લાખનો ખર્ચ થયો. મહારાજા ભગવતસિંહનું 1944માં અવસાન થયા પછી પણ તે કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. કોશના નવ ભાગની પડતર કિંમત રૂ. 543 હતી, પણ તે રૂ. 146માં વેચવામાં આવતો હતો.

કોશના પહેલા બે ભાગના અર્પણવિધિ વખતે દ્વારકાપીઠના શંકરાચાર્યે ચંદુલાલ પટેલને ‘વિદ્યાવારિધિ’ની પદવીથી સન્માનિત કર્યા. કોશની પ્રસ્તાવના લખવા માટે ચંદુલાલે ગાંધીજીને વિનંતી કરી હતી. તેના જવાબમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ભાઈ ચંદુલાલ, તમારો કાગળ મળ્યો. પ્રસ્તાવના લખવાની મારી શક્તિ નથી. તમારા સાહસથી હું મુગ્ધ થયો છું. એથી માતૃભાષાની મોટી સેવા થશે એમ માનું છું.’



          ચંદુલાલ પટેલ પર ગાંધીજીનો પ્રસન્નતાપત્ર

ગુજરાતી સાહિત્યના અગ્રણીઓએ પણ એકસૂરે ભગવદ્ગગોમંડળની પ્રશંસા કરી. કનૈયાલાલ મુનશીએ મહારાજા અને ચંદુલાલ પટેલની કામગીરી બિરદાવીને તેને ફક્ત કોશ ન ગણતાં, જ્ઞાનસંગ્રહ ગણાવ્યો અને લખ્યું હતું, ‘જેમ જોન્સનના કોશે અંગ્રેજી ભાષાને સ્થાયી બનાવી તેમ આ કોશ ગુજરાતી ભાષાના સાહિત્ય અને પ્રયોગમાં જરૂર સ્થાયિત્વ આણશે.’


ગાંધીપ્રેમના નક્કર પરિણામ જેવો ગાંધીજ્ઞાનકોશ



  (પંચગની, 9-2-44)

ચંદુલાલ પટેલે તેમની કારકિર્દીના આરંભે ગાંધીવિચારનું એક સંકલન તૈયાર કર્યુ હતું. ‘ભગવદ્ગોમંડલ’ના મહાકાર્ય પછી તેમણે એ કોશની ‘પાદપૂર્તિ’ તરીકે ગાંધીજ્ઞાનકોશ તૈયાર કર્યો. તેને ‘સત્યના પ્રયોગોની માર્ગદર્શિકા’ તરીકે પણ ઓળખાવવામાં આવ્યો. આ કોશમાં કક્કોબારાખડી પ્રમાણે જુદાજુદા વિષયો પરના ગાંધીજીના વિચારોનું સંકલન કરવામાં આવ્યું હતું.

ગાંધીસાહિત્ય જ્યારે વિખેરાયેલું હતું અને ‘ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’ (ગાંધીજીનો અક્ષરદેહ)ની કામગીરી શરૂ થઈ ન હતી, ત્યારે ગાંધીપ્રેમીઓ માટે ‘ગાંધીજ્ઞાનકોશ’ ઘણો ઉપયોગી બની રહ્યો. અલબત્ત, તેમાં આપવામાં આવેલા ગાંધીજીના વિચારો ક્યાંથી લેવાયેલા છે તે માહિતી ન હતી. એ તેની મર્યાદા પણ બની. છતાં, ગાંધીજીના વિચારોના સંકલન તરીકે તેનું એક મહત્ત્વ ચોક્કસ છે.

ગાંધીજ્ઞાનકોશનું ઊઘડતું પાનુ

 પહેલાં ગોંડલની અને પછી સૌરાષ્ટ્ર રાજ્યની કામગીરીમાંથી નિવૃત્ત થયા પછી, ઢળતી વયે ચંદુલાલ પટેલ લકવાગ્રસ્ત બન્યા. ત્યારનો એક મર્મસ્પર્શી પ્રસંગ રજનીકુમાર પંડ્યાએ ‘શબ્દયોગી’ નામે લખેલા ચંદુલાલના શબ્દચિત્રમાં વાંચવા મળે છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ કામ ન કરે. તેમનાં વર્ષો જૂના વિશ્વાસુ કારકૂને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો. ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ તે દિવસે ઉશ્કેરાઈ ગયા. કારકૂનને તતડાવી નાખ્યા ને કહ્યું, ‘અંગૂઠો તો ગોંડલરાજની એકેય કન્યા પણ પાડતી નથી ને હું અંગૂઠો પાડું? નથી જોઈતું પેન્શન. લઈ જાઓ કાગળિયાં.’

કુટુંબપરિવારની લીલી વાડી વચ્ચે 1964માં ચંદુલાલ પટેલે વિદાય લીધી, પણ તેમણે મહારાજા ભગવતસિંહના નેતૃત્વમાં કરેલું ‘ભગવદ્ગોમંડલ’નું સંપાદનકાર્ય ગુજરાતી ભાષા અંગેનાં સર્વકાલીન મહાન કાર્યોમાં સ્થાન ધરાવે છે.

(મુખ્ય સંદર્ભઃ ચંદુલાલ પટેલની જીવનકથા ‘જીવનરંગ’, સંપાદનઃ સાવિત્રીબહેન પટેલ, પ્રફુલ્લચંદ્ર પટેલ, કૃષ્ણચંદ્ર પટેલ)