Up લેખો ભાષાવિશારદ વિદ્યાધિકારી બાપુજી વિહારીજી જી
English

વિદ્યાધિકારી

ચંદુલાલ બહેચરલાલ પટેલ: પાંચમી ઑગસ્ટ સને ૧૮૮૯માં સિહોર ખાતે જન્મેલાં આપણાં આ સમર્થ કોશકાર ના પિતા બહેચરલાલ બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ હતા અને વિહારી' ઉપનામ થી સાહિત્યસર્જન કરતા હતા. એ સમયમાં ચંદુલાલના પિતા એ 'વંદે માતરમ્' ગીતનો ગુજરાતી અનુવાદ કરેલો. "નમું સુફળ વિમળ જળવાળી મા - વંદે માતરમ્, ધાન્યે લીલીછમ હરિયાળી - મા વંદે માતરમ્ ." નામથી આ અનુવાદ ગીતનું ગોંડલ રાજ્યની નિશાળોમાં એ સમયે નિયમિત ગાન થતું હતું. માતા મણિબાઈના હાથે સંસ્કાર સિંચન પામેલા ચંદુલાલ પટેલ નું પ્રાથમિક શિક્ષણ ભાયાવદર માં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં થી સંપન્ન થયેલું. મોતીભાઈ અમીન, કાન્ત, હિંમતલાલ અંજારિયા, ભિક્ષુ અખંડાનંદ વગેરે મહાનુભાવો ના સંપર્કમાં આવવા થી તેમનામાં રાષ્ટ્ર સેવાની પ્રબળ ભાવના પ્રગટી હતી. સને ૧૯૧૪માં સ્નાતક નો અભ્યાસ પૂર્ણ કરી. સમાજસેવા કરવાના હેતુથી ‘પાટીદાર યુવક મંડળ'માં જોડાયેલા. ચંદુલાલ સને ૧૯૧૬માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં પરીક્ષક તરીકે અને સને ૧૯૨૬માં ત્યાં જ વિદ્યાધિકારી તરીકે નિયુક્ત થયા હતા.


અહીં એમને "ભાવતું હતું ને વૈદ્ય કીધું" જેવો માહોલ રચાતા વિદ્યાધિકારીનું પદ તેમને સેવાકાર્ય માટે સહાયક બની રહ્યું હતું. ગોંડલના દીર્ઘદ્રષ્ટા રાજવી આદરણીય ભગાબાપુની પ્રેરણા અને અનુમતિને લીધે તેમણે ગોંડલ રાજ્યમાં કન્યાકેળવણી ફરજિયાત બનાવી હતી. તેઓએ પ્રૌઢશિક્ષણના કાર્યને પણ રસપૂર્વક હાથમાં લીધું હતું. વળી, રાષ્ટ્રીયભાવનાને પ્રેરક અને પોષક બની રહે એવા સાહિત્યની વાચનસામગ્રી પણ તેઓએ તૈયાર કરાવી હતી. "કાઠિયાવાડ રાજકીય પરિષદ" ભરવામાં પણ તેઓએ એ સમયે ખૂબ સહયોગ કર્યો હતો. મહારાજા ભગવતસિંહજીએ તેમને બધી જ સગવડો કરી આપી એટલે ચંદુલાલ પટેલે રાજ્યના નિરાશ્રિત ગૃહ અને બાલાશ્રમ ની વ્યવસ્થા માં પણ સુધારો કરાવ્યો હતો.


ચંદુલાલ પટેલ પોતે નર્મદ થી ખૂબ જ પ્રભાવિત હોવાથી તેમણે "પ્રેમશૌર્ય સોસાયટી" નામે સંસ્થા પણ સ્થાપી હતી. જે અંતર્ગત તેઓએ વિદ્યાર્થી આશ્રમ, ‘પટેલબંધુ' માસિક, 'પાટીદાર યુવક મંડળ, ‘પટેલ વિદ્યાર્થી આશ્રમ' જેવી અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. સને ૧૯૧૫માં સુરત ખાતેના "સાહિત્ય પરિષદ “ના અધિવેશન માં રણજિતરામ મહેતા એ ચંદુલાલને જૂના દસ્તાવેજો, તામપત્રો, શિલાલેખ, અપ્રસિદ્ધ પત્રો વગેરેની યોગ્ય સાચવણી અને જરૂરી વ્યવસ્થા કરવાનું જવાબદારી ભર્યું કામ સોંપ્યું હતું. ચંદુલાલ પટેલની કાર્યકુશળતા, નિષ્ઠા અને કામ કરવાની સૂઝ સાથેની પ્રતિબદ્ધતા જોઈ મહારાજા ભગવતસિંહજીએ તેમના મનમાં રમતું મહાન કાર્ય સંપન્ન કરવાની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું હતું. મહારાજાએ ચંદુલાલને ગુજરાતી ભાષાનો સર્વાંગસંપૂર્ણ શબ્દકોશ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. મહારાજા પોતે ખૂબ જ વિદ્વાન, ખૂબ જ સારા વિદ્યાપ્રેમી, કેળવણીના આગ્રહી, ઉમદા સાહિત્યપ્રેમી તથા પ્રજાવત્સલ, પ્રતિભા-પારખુ રાજવી હતા. એટલે મહારાજાને ખબર હતી કે, આ કામ જો કોઈ કરી શકે તો એ ચંદુલાલ પટેલ જ કરી શકે.


ચંદુલાલ પટેલે પણ શબ્દકોશ તૈયાર કરવાની મહારાજાએ સોંપેલી જવાબદારી હર્ષભેર સ્વીકારી લીધી હતી. પોતાના કાર્યાલયમાં જ સને ૧૯૨૮માં કોશ વિભાગનો આરંભ થતા અત્યાર સુધીમાં ભારે જહેમત થી એકઠા કરાયેલા વીસ હજાર શબ્દો ના અર્પણ સાથે મહારાજા ભગવતસિંહજીએ સને ૧૯૨૮ના પહેલી ઓકટોબરના રોજ ગ્રંથના સંપાદનકાર્યનો પ્રારંભ કરાયો હતો. આપણને નવાઈ લાગે એવી વાત તો એ હતી કે, ચંદુલાલ પટેલ સાંજના સાડા પાંચ વાગ્યા સુધી વિદ્યાધિકારી તરીકેનું પોતાનું નિયમિત કાર્ય સંભાળતા હતા અને સાંજના સાતથી દસ વાગ્યા સુધી કોશસંપાદક તરીકેનું કામ સંભાળતા હતા.


 દસ વર્ષની મહેનત પછી સને ૧૯૩૮માં "ભગવદ્ગોમંડળ" નો ૯૦૨ પાનાનો દળદાર પ્રથમ ખંડ પ્રગટ કરી શકાયો હતો. આ પ્રથમ ખંડમાં 'અ'થી 'અં' સુધીના છવ્વીસ હજાર છસ્સો સત્યાસી શબ્દો સમાવી લેવાયા હતા. છ વર્ષ પછી બીજો ખંડ સને ૧૯૪૪માં પ્રગટ થયો. જે પછી કામની ગતિ વધતા સને ૧૯૫૩માં ૭મો અને ૮મો ખંડ અને સને ૧૯૫૪માં ૯મો ખંડ પ્રગટ કરવામાં આવ્યો હતો. વિદ્યાધિકારી ના પદે થી નિવૃત્ત થયા પછીના ગાળામાં પણ ચંદુલાલ પૂરો સમય કોશકાર્ય માટે આપતા હતા. પૂરાં ઓગણત્રીસ વર્ષ સુધી શાંતિપૂર્વક, પ્રસિદ્ધિથી દૂર રહીને તેમણે પૂરી નિષ્ઠા અને ઝીણવટ થી આ મહાન કાર્ય સંપન્ન કર્યું હતું. આ મહાન કાર્ય માટે કુલ રૂપિયા બે લાખ બોતેર હજાર ચારસો પચાસનું ખર્ચ થયું હતું. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્ર રાજ્યની સરકારે ચંદુલાલના આ અમૂલ્ય કાર્ય માટે તેઓને રૂપિયા અગિયાર હજારનું પારિતોષિક પણ આપ્યું હતું. આ કોશ ના સંપાદન માટે ગુજરાત સાહિત્યસભાએ સને ૧૯૫૪નો "રણજિતરામ સુવર્ણચંદ્રક" સાહિત્યકાર ન હોવા છતાં ચંદુલાલ પટેલને તેઓના આ મહાન સંપાદનકાર્ય માટે એનાયત કર્યો હતો. કમનસીબીની વાત એ હતી કે, આ કોશનું કાર્ય સંપન્ન થયું એ સમયે ભગવતસિંહજી બાપુની હયાતી નહોતી. કોશકાર્યની પૂર્ણાહૂતિ સમયે ગોંડલનરેશ વિક્રમસિંહજીએ તેમને રૂ.૧.૫૦૦નું ઈનામ આપ્યું હતું અને કહ્યું હતું કે, "શબ્દકોશ સદ્ગત મહારાજા ભગવતસિંહજી બાપુની દોરવણી મુજબ તૈયાર કરાવવાનું મહાન કામ પૂરું કરવાનો મોટા ભાગનો યશ ગોંડલના માજી વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ પટેલને ફાળે જાય છે."


 ચંદુલાલ પટેલે "ગાંધીજ્ઞાનકોશ" નું પણ સંપાદન કર્યું હતું. "ગાંધીજીનાં વિચારરત્નો" શીર્ષક હેઠળ ચંદુલાલે ગાંધીજીના વિચારોનું સંપાદન કરેલું જેને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પાઠ્યપુસ્તક તરીકે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન માં તૈયાર કરવામાં આવેલી ગોંડલ રાજ્યની વાચનમાળા ઓ બીજાં રજવાડાની શાળાઓમાં પણ ભણાવવામાં આવતી હતી.


ગોંડલ સ્ટેટ અને પછી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાંથી નિવૃત્ત થયા પછી, પાછલી વયે ચંદુલાલ પટેલ લકવાથી ગ્રસ્ત થયા હતા. એ સમયના એક પ્રસંગને રજનીકુમાર પંડયાએ "શબ્દયોગી" નામે લખેલા ચંદુલાલના શબ્દચિત્રમાં મર્મસ્પર્શી રીતે વર્ણવ્યો છે. પેન્શનના એક કાગળ પર ચંદુલાલની સહી કરાવવાની હતી ને જમણો હાથ લકવાથી કામ નહોતો કરતો એટલે તેમના એ વખતના વર્ષો જૂના વિશ્વાસુ કારકુને ચંદુલાલને સૂચવ્યું કે કાગળ પર સહી કરવાને બદલે ડાબા હાથનો અંગૂઠો પાડી દો. જેથી પેન્શન મેળવવા બાબતે પ્રશ્ન ન ઊભો થાય. વાત સાંભળીને ભાગ્યે જ ગુસ્સે થતા ચંદુલાલ તે દિવસે ઉશ્કેરાઈ ગયેલા. કારકુનને બરાબરના તતડાવી નાખેલા ને કહેલું, "અંગૂઠો તો ગોંડલરાજની એકેય કન્યા પણ નથી પાડતી ને હું અંગૂઠો પાડું? નથી જોઈતું મારે પેન્શન. લઈ જાઓ કાગળિયાં." ચંદુલાલ પટેલની આવી હતી ખુમારી ! સહી ન કરી શકવાની સ્થિતિમાં ચંદુલાલ પટેલને પેન્શન ન લેવું મંજૂર હતું, પણ અંગૂઠો મારી પેન્શન લેવું હરગીજ મંજૂર નહોતું.


રવજી ગાબાણી

સંદેશ વડોદરા સિટી માં Nov. ૨૦૨૩ નો લેખ