બા! બા વિષે કંઇ લખાય, કહેવાય? લાગણી ને સ્વરૂપ કેવી રીતે આપવું? એ તો મારી માં , મારો લાડ નો ખોળો, આંગળી પકડી જીવન નો માર્ગ દર્શાવનાર હાથ, મારી આદર્શ પ્રતિમા! આખા વિશ્વમાં સૌથી પ્રેમાળ માયાળુ વ્યક્તી.
તરુણાવસ્થામાં લગ્ને જોડાઈ અને મોટા કુટુંબમાં પ્રવેશ થયો. બાપુજી ના બે ભાઈ, અને એમના છૈયાં છોકરા બધા સાથે રહે. એ સમય ની પ્રથા પ્રમાણે ત્વરિત ઘર અને કુટુમ્બ સ્મભાળ્યું. અક્ષર વિદ્યા કાચી પણ પતિ સાથે બેસી શીખવે, અને બા વાંચવા લખવાનું પાકું કરે, છોરાઓ ને પત્ર લખે કે એમના પત્રો વાંચે! આખો સનસાર સંભાળે ત્યારે બાપુજી એમની કામગારી મુક્તા મને પાર પાડે. બાપુજી ની સિધ્ધી પાછળ બા નો પૂર્ણ ફાળો!
બા વ્યવહાર માં અને સામાજિક કાર્યો માં પણ ઘણો રસ લે અને હમેંશા એ કાર્યો માટે સમય કાઢે જ. કોઈ પણ બા ને મોઢે મદદ માંગે, એને બા અચૂક સહારો આપે.
બા પિયર જાય ત્યારે મને ઘણી વાર લઈ જાય, ત્યારે મને જોવા મળે કે બા ના ભાઈ બહેનો એમને ખૂબ સ્નેહ થી તરબોળ કરતાં, અને ભાણી ભાણિયા પણ માન થી મળતા. ગીતા ભુવન માં કોઈ પણ લગન હોય તો બા ના નાના ભાઈ વજામામા જ રસોઈ સંભાળે! મારા લગન વખતે પણ. બા મને જાત્રા એ પણ લઈ જાય. એમની સાથે ઠેર ઠેર ફરી છુ. કલકત્તા, જગન્નાથ પૂરી, હરદ્વાર, ગોકુળ, મથુરા વગેરે! ખાસ તો અંજુ ના જન્મ વખતે પ્રફુલ્લમામા અલ્લાહબાદ માં હતા, એટલે બા સાથે અંજુ ને આવકારવા ચાર મહિના રહેલા. એવિજ રીતે બા નવીનમામા અને આંસુયામામી ને ઘરે ધોરાજી ઘણી વખત જતાં. ખાસ તો મામી ને સુવાવડ હતી ત્યારે.
બા ને તૈયાર થવાનું ગમતું, મને ખાસ યાદ છે કે એમને એક લાલ સાડી અને સાથે લીલું બ્લાઊઝ ગમતું , અને મારે માટે પણ એવાંજ કપડાં બનાવડાવેલા. બંને સરખા કપડાં પહેરી આનંદે મ્હાલતા.બા ને હજુ સાંઠ પણ નો'તા થયા અને બાપુજી ગયા. પણ બાપુજી પછી તરત જ પોષાક બદલ્યો, અને સફેદ વસ્ત્રો આજીવન પહેર્યાં. બાપુજી પછી એકલવાયું ઘણું લાગ્યું, દીકરાઓ એ ખુબજ કાળજી થી એમનું ધ્યાન રાખ્યું,પણ જીવન ખાલી લાગતું. કહેતા કે મને એકજ વાત માં રસ છે, કે પપ્પુ ના હાથ પીળા કરવા. બસ, હું પરણી ને અમેરિકા પહોચી, અને બા બે વર્ષમાં જ બાપુજી પાસે પહોંચ્યા.
મને અમેરીકામાં સંદેશો મળેલો કે બા રાજકોટ કિશોર મામા ને ઘેર જવાના છે. અમે ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ જમાનામાં ફોન લાગવો સહેલો નો'તો, અને બીજે દિવસે પાછો પ્રયાસ કર્યો, ત્યારે બા એ તો પ્રસ્થાન કરી દીધેલું - ૧૫મી જાન્યુઆરી,૧૯૭૩. દૂ:ખ થી અકળાઈ ગઈ પણ શું થાય? મને ખાત્રી છે કે બાને ખબર હતી કે પપુ કેટલી યાદ કરતી હશે એમને, અને મેં એમની સાથે ની યાદો ખાસ જાળવી રાખી છે, અને એમની શિખામણ હંમેશા પાળવા મથું છું.