ગોંડલ:રાજાનું જ નહીં, પ્રજાનું રજવાડું
ફૂલછાબ રંગધનુ – જ્વલંત છાયા.
દિવસ હતો ૯મી માર્ચ. ડાયરાની ભાષામાં કહીએ તો તે દી' ગોંડલની ધરતી પ૨ જીવતા માણસો તો શું, ઝાડવાંય રોયાં હશે. એ ફાગણ સુદ પૂનમનો દિવસ હતો. સાંજે આમ તો હોળી પ્રગટે પરંતુ તે દિવસે ગોંડલમાં પ્રગટી ચિતા. ગોંડલના રાજા, ગોંડલના ધણી, વિદેશમાં પણ રત્નનું સ્થાન પામેલા સર ભગવતસિંહજીનું એ દિવસે મૃત્યુ થયું હતું. એવું વ્યક્તીત્વ કે જેને કોઈ પણ વિશેષણ ની જરૂર નહોતી તેમના નામની આગળ લાગી ગયું, સ્વર્ગસ્થ. સારા માનવી જતા રહે તોય તેમના સારાં કામ જીવે અને આગળ વધે તે પણ સાચું છે. ભગવતસિંહજીનું સ્મરણ સતત થતું રહે તેવું આ ગોંડલ સ્ટેટ છે. સદેહે ભગવતસિંહજી નથી પરંતુ તેમની વિરાસત યથાવત છે.
ગોંડલ, જ્યાં સ્વામીનારાયણ સંપ્રદાય ના સંતો ના આશીર્વાદ વરસ્યા. પૂ. નાથાભાઈ જોશીની શક્તિ ઉપાસનાની ઉર્જા આજેય છે. જ્યાં મકરંદ દવેના શબ્દો વાતાવરણમાં છે જે અનિલ જોશી સુધી જળવાય છે. ગોંડલ સાથે ધૂમકેતુનું પણ જોડાણ અને ગોંડલ જય વસાવડા અને સાંઈરામ દવેનુંય ગામ, ગોૉંડલ એટલે અમિતાભ બચ્ચનને ગરબા શીખવતા ચેતન જેઠવાનું નિવાસ સ્થાન. ગોંડલ ગાંઠિયાનું ગામ, ખાદી પ્રવૃત્તિનું કેંદ્ર. ગોંડલ એટલે બોલીવુડમાં જેના મહેલો અનેકવાર દેખાયા છે તે નગર, રાજસ્થાનના કોઈ મહેલ ની યાદ અપાવતો નવલખો પેલેસ, વિવિધ પ્રકારની મોટરકાર નું મ્યુઝિયમ, રિવર સાઈડ પેલેસ અને ગોંડલ એટલે...ગોંડલ એટલે ઘણું.
ગોંડલને આમ અચાનક સંભારવાનું કારણ તો એ કે હમણાં, બે દિવસ પહેલાં જ ગોંડલ રાજ્યના સત્તરમા ઉત્તરાધિકારી તરીકે હિમાંશુસિંહજી જાડેજાએ રાજા તરીકે નું ઉત્તરદાયિત્વ સંભાળ્યું, દેશની આઝાદી પછી રજવાડાં રહ્યાં નહીં પરંતુ રાજાઓ માટેનો , રાજ પરિવાર માટેનો પ્રજાનો આદર મોટા ભાગે યથાવત રહ્યો છે. તેમાંય આ તો ગોંડલ રાજ્ય, જેમણે સદાય જ્ઞાનનો આદર કર્યો. શિક્ષણ થકી પ્રજાના ઉત્કર્ષ માટે તેના રાજા સદા પ્રયત્નશીલ રહ્યા. ગોંડલ એવું રાજ્ય જેણે ગુરુદેવ ટાગોરને પણ શાંતિ નિકેતન માટે સહયોગ કર્યો અને ગાંધીજીનું પણ સન્માન કર્યું. ફક્ત વ્યક્તિનો મહિમા કર્યો એટલું નહીં ભગવદ્ગોમંડલ જેવો મહાગ્રંથ-જ્ઞાનકોશ આપ્યો. આ ગોંડલમાં રાજતિલક વિધિ થવી એ ઉત્સવ સમગ્ર સૌરાષ્ટ્રનો ઉત્સવ કહેવાય.
ગોંડલ જાડેજા વંશનું પ્રથમ વર્ગનું રાજ્ય હતું. ૨૬૫૦ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ એનું અને એમાં ૧૭૫ ગામ. ૧૯૭૧માં ગોંડલ સ્ટેટની વસતી ૨ લાખ હતી.
૨૨મી જાન્યુઆરીએ ગોંડલમાં આ રાજ્યાભિષેક થયો, ૨૬મી જાન્યુઆરીએ લાઠીના રાજા કલાપીનો જન્મદિવસ છે. ભગવતસિંહજીની સાહિત્ય પ્રીતિ પ્રખ્યાત છે તો ક્લાપીનું એ ક્ષેત્રે પ્રદાન પણ સતત નોંધપાત્ર રહ્યું છે. સૌરાષ્ટ્રના રાજ પરિવારોએ પ્રજાને આમ કંઈ ને કંઈ આપ્યું છે. ગોંડલના નવા રાજવી હિમાંશુસિંહજીએ પણ પ્રજાલક્ષી કાર્યોમાં સદાય સાથે રહેવાની વાત કરી છે. હિમાંશુસિંહજી રાજ પરિવારના વર્તમાન વારસ છે.
ગોંડલનો ઉલ્લેખ થાય એટલે ભગવતસિંહજી યાદ આવ્યા વગર રહે જ નહીં. ૬૦ વર્ષ તેમણે ગોંડલની ગાદી સંભાળી અને ગોંડલને તે સમયના પરિપ્રેક્ષ્ય માં આધુનિક રાજ્ય બનાવ્યું. રાજા ના રૂપમાં ભગવાન હતા ભગવતસિંહજી એમ કહો તોય ચાલે. જેમને આખા ગોંડલ સ્ટેટ નહીં પરંતુ વિશ્વના પીડિતો, મુશ્કેલીમાં ફસાયેલા લોકોને જેણે પોતાના ગણ્યા હોય, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી અસ્પૃશ્યતાને જેમણે નગરવટો આપ્યો હોય, પોતાની બગી સાથે અથડાયેલી મોટરકાર ના ડ્રાઈવરને પોતે રોંગસાઈડમાં છે તેમ કહીને માફ કર્યો હોય તેવા રાજવી ના પરિવાર માટે કોને લાગણી ન હોય ? મોજશોખ અને બિનજરૂરી વૈભવ ને તેમના જીવન અને ગોંડલ સ્ટેટમાં સ્થાન નહોતું.
ભગવતસિંહજીના માતા મોંઘીબા પણ વેદાંતના અભ્યાસી હતા. રાજકોટની રાજકુમાર કોલેજમાં નવ વર્ષની વયે તેમને ભણવા મોકલાયા તે પૂર્વથી અને પછી તેઓ તેજસ્વી અને જિજ્ઞાસુ હતા. પુસ્તકો અને ચિત્રો પ્રત્યે અત્યંત લગાવ હતો. તેમને ડોક્ટર બનવું હતું. લોકો ના દુઃખ દૂર કરી શકાય તે માટે ભગવતસિંહજી રાજવૈભવ છોડીને તબીબી જ્ઞાન માટે ઈ.સ.૧૮૮૬માં સ્કોટલેન્ડ ગયા હતા. સિન્સિયર વિદ્યાર્થી તરીકે તેઓ જાણીતા હતા. સ્કોટલેન્ડથી તેઓ એલ.એલ.ડી.ની ડિગ્રી મેળવીને આવ્યા હતા. ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાનો સુવર્ણ મહોત્સવ ઉજવાયો ત્યારે કાઠિયાવાડ ના રાજવીઓના પ્રતિનિધિ તરીકે ભગવતસિંહજી ગયા હતા. ઈંગ્લેન્ડ ના પ્રવાસનું વર્ણન તેમણે ૧૮૮૩માં પોતાના પુસ્તકમાં કર્યું હતું.
ગોંડલ માટે તેમણે જે કર્યું તે અનન્ય હતું પરંતુ જેમને સ્હેજ પણ જ્ઞાન તરફની દૃષ્ટિ છે તેમને તો તરત જ સ્મરે ૨,૮૧,૩૭૭ શબ્દો વાળો વિરાટ ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશ યાદ આવે. એ સમયે કાઠિયાવાડનો સૌથી મોટો બનેલો ભાદર નદી પરનો ઉપલેટાથી પાટણવાવ વચ્ચેનો પુલ, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, ઢસાથી જામજોધપુર સુધીની ૧૦૬ માઈલ ની કાઠિયાવાડની પ્રથમ રેલવે લાઈન, સ્ટેટમાં ૧૦૦૦ નાળાં, ૧૨ પુલો, ૩૬૦ માઈલની પાકી સડક. એક રાજા આવું કરી શકે! આપણને એમ કહેવાનું મન થાય કે ભગવતસિંહજી તો હતા ગોંડલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર-સી.ઈ.ઓ.
૧૮૬૫ની ૨૪મી ઓક્ટોબરે ધોરાજીમાં તેમનો જન્મ, પિતા સંગ્રામજીમાં બળ તો હતું, સાથે જ આત્મા તેમનો સાધુ જેવો. તેમના મૃત્યુ સમયે ભગવતસિંહજીની વય માત્ર બાર વર્ષ. ૧૮મે વર્ષે ગોંડલની ગાદી સત્તાવાર રીતે સંભાળી. બસ, પછી પ્રારંભ થયો એક યુગનો. એક એ્ડમિનિસ્ટ્રેટર કેવા હોય , એક મોભી શું કહેવાય, તેનું એક અનન્ય ઉદાહરણ તેમણે પ્રસ્થાપિત કર્યું. વિદેશનાં માધ્યમો અને ઇંગ્લેન્ડની સરકારોએ તેમને ભરપૂર માન આપ્યું.
પ્રજાને પરિવાર માનતા આ રાજા એ પોતાના સાતેય સંતાનને ઇંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું. બપોરે ૧૨ શી ૧ ભગવતસિંહજી પ્રજાના પ્રશ્નો સાંભળતા, દોઢ વાગ્યે આખું કુટુંબ એકસાથે ભાણે બેસતું. રાત્રે આખા રાજ્ય માંથી 'આલબેલ' (ઓલ વેલ)નો સંદેશ આવી જાય પછી જ તેઓ ભોજન લેવા બેસતા.
કાર તો પોતાની ઘણી હતી પરંતુ નગરચર્યામાં બગી માં જ નીકળે. ક્યારેક હાથમાં પાણીનો પ્યાલો રાખ્યો હોય. પાણી ઢોળાય તો બગી ઊભી રાખે અને રસ્તાનું લેવલ કેમ યોગ્ય નથી તેની તપાસ થાય. મર્યાદિત રકમ પગાર પેટે લેતા. મહારાણી નંદકુંવરબા સાથે તેમણે વિશ્વના પ્રગતિશીલ દેશો નો પ્રવાસ કર્યો હતો અને તેમાંથી પ્રેરણા લઇ ગોંડલનો વિકાસ કર્યો હતો.
ગોંડલમાં હુન્નરશાળા, ફર્ગ્યુસન હોસ્પિટલ અને સંગ્રામસિંહ સ્કૂલનું નિર્માણ તો તેમણે કરેલાં વિકાસ ના ફક્ત ઝડપથી ગણી શકાય તેટલાં જ ઉદાહરણ છે. યાદી તો લાંબી છે. એ સમયે અત્યારના પાકિસ્તાનમાં સ્થિત ક્વેટામાં ધરતીકંપ થયો તેમાં રૂ. એક કરોડ ની સહાય મોકલી હતી. રાજકુમાર કોલેજને એ સમયે રૂ.૩૦ હજારનું દાન, શિક્ષણ ક્ષેત્રે ગોંડલ પારિતોષિકની શરૂઆત અને ગાંધીજીને વિવિધ તબક્કે કુલ રૂ.૧૦ લાખની સહાય. આ બધું જ જોડાયેલું છે ભગવતસિંહજીના નામ અને સ્મરણ સાથે એટલે કે ગોંડલ સાથે. ગોંડલના રાજ પરિવારમાં પચાસ વર્ષે રાજતિલક નો અવસર સંપજ્ઞ થયો. ગોંડલની પ્રજાને તેનો હરખ હોય જ. આખરે એક પરંપરાની જ્યોત માં ઘી પૂરવાનો આ અવસર હતો.